જમોને જમાડું પ્રેમે મોરીમૈયા,
જમજો અંબેમાત જમાડે આજ તમારો બાળ;
જમાડે આજ તમારો બાળ,
જોઈ રહ્યો છું વાટ તમારી, પિરસી મૂકયો થાળ,
જમાડે આજ તમારો બાળ (૨)...
ધારી, ઘેવર, ગુંજ, ગલેફા...
ગુલાબજાંબુ, બરફી, પેંડા;
મગજ, મગદાળ, મૈસુર પીરસ્યો,
પીરસ્યો મોહનથાળ,
જમાડે આજ તમારો બાળ (૨)...
ભાતભાતના શાક બનાવ્યાં...
કચોરીને દહીંવડા બનાવ્યાં;
ચટણી, રાયતા, પાપડ, અથાણાં,
બટેટા પૌવા સાથ,
જમાડે આજ તમારો બાળ (૨)...
મગની મોહક દાળ વઘારી...
દહીં ભાંગીને મે તો લસ્સી બનાવી;
વાલ, વટાણા, ચણા ને ચોળા,
કીધો કમોદ નો પાક,
જમાડે આજ તમારો બાળ (૨)...
ખાટું-ખારું કઈ નવ કહેજો...
જે જોઈએ તે માંગી લેજો;
બાળક ઊભો ચમ્મર ઢોળે,
હૈયે હરખ ન માય,
જમાડે આજ તમારો બાળ (૨)...
જળ જમનાની ભરી છે જારી...
આચમન કરોને માં આરાસુરવાળી;
લવિંગ, સોપરી, ડાળ, વરિયાળી,
બિડેલ બાસમતી સાથ,
જમાડે આજ તમારો બાળ (૨)...
જમીને જમાડું પ્રેમે મોરી મૈયા,
જમજો અંબે માત જમાડે આજ તમારો બાળ;
જમાડે આજ તમારો બાળ....
No comments:
Post a Comment