વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા,
વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા;
દૂરબુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો,
મામપાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો.
ભૂલો પડી ભવરણે ભટકું ભવાની,
સુઝે નહિ લગીર કોઈ ડીસા જવાની;
ભાસે ભયંકર વળી મનના ઉતાપો,
મામપાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો.
આ રંકને ઊગરવા નથી કોઈ આરો,
જન્માંધ છું જનની હું ગ્રહી બાળ તારો;
ના શું સુણો ભગવતી શિશુના વિલાપો,
મામપાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો.
મા કર્મ જન્મ કથની કરતા વિચારું,
આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઈ મારું;
કોને કહું કઠણ યોગ તણો બળાપો,
મામપાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો.
હું કામ ક્રોધ મધ મોહ થકી છકેલો,
આડંબરે અતિ ઘણો મદથી બકેલો;
દોષો થકી દૂષિતના કરી માફ પાપો,
મામપાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો.
ના શાસ્ત્રના શ્રવણ નું પયપાન કીધું,
હા મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઈ કીધું;
શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો,
મામપાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો.
રે રે ભવાની બહુ ભૂલ થઈ છે મારી,
આ જિંદગી થઈ મને અતિશે અકારી;
દોષો પ્રજાળી સઘળા તવ છાપ છાપો,
મામપાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો.
ખાલી ન કોઈ સ્થળ છે વિણ આપ ધારો,
બ્રહ્માંડમાં અણુ અણુ મહિ વાસ તારો;
શક્તિ ન માપ ગણવા અગણિત માપો,
મામપાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો.
પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો,
ખોટો ખરો ભગવતી પણ હું તમારો;
જાડ્યાધકાર દૂર કરી સદબુદ્ધિ આપો,
મામપાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો.
શીખે સુણે રસિક છંદ જે એક રીતે,
તેના થકી ત્રિવિધ તાપ ટળે ખચિતે;
વાઘે વિશેષ અંબા તણા પ્રતાપો,
મામપાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો.
શ્રી સદગુરુના ચરણમાં રહીને ભુજું છું,
રાત્રી દિને ભગવતી તુજને ભજું છું;
સદભક્ત સેવક તણા પરીતાપ ચાંપો,
મામપાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો.
અંતર વિશે અધિક ઊર્મિ થતા ભવાની,
ગાઉ સ્તુતિ તવ બળે નમીને મ્રૃગાની;
સંસારના સકળ રોગ સમૂળ કાપો,
મામપાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો.
No comments:
Post a Comment