પ્રથમ નમુ માતા શારદાને સમરુ શંકર દેવ જો,
અમૂલ્ય અવતાર બેનીને આપ્યો જેથી બેની સુખી થાય જો......(૧)
સ્નેહી માતા પિતા સાંભળો ને પુત્રી થાય વિદાય જો,
અંતરમાં ઓછું ન લાવજો એ તો દુનિયાનો રિવાજ જો.....(૨)
આપો આશીષ મુજ માતાજીને જાઉં સાસરીએ આજ જો,
વિદાય વેળા ના આશીષ આપો જેથી બેની સુખી થાય જો......(૩)
આપો કન્યાદાન પિતાજીને પૂરો હૈયાની હામ જો, પુત્રી વળાવો પ્રેમથી ને જેથી બેની સુખી થાય જો.......(૪)
પુત્રી જન્મે ત્યાંથી પારકી ને એ તો જાણે સૌ લોક જો,
હાથી શોભે દરબારમાં ને દીકરી શોભે ઘરબાર જો.......(૫)
પાળી પોસીને મોટા કર્યા લાડ લડાવ્યા ખૂબ જો,
એ ગુણો નો બદલો હવે વાળ્યો કેમ વળાય જો...........(૬)
જળથી વિખુટી માછલીને તમથી વિખૂટી હું આજ જો,
જવા દો મોરી માસી બાને રુદન કરે મોરી માત જો......(૭)
પંખી પોઢે આંબા ડાળીએ ને ગીત મધુરા ગાય જો,
હુ રે પોઢું ઘર ઘોડીયે ને મારી માતા હાલરડા ગાય જો....(૮)
કાકા મામા વીરા ફુવાજીનો આજથી તજયો વહેવાર જો,
કાકાજી મામાજી ફુવાજીને જાવું દિયર ને સંગાથ જો.....(૯)
કાકી મામી ફઈબા ને રજા આપો મોરી માત જો,
કાકીજી મામીજી ફઈજીનો બેની ને કરવો સંગાથ જો.....(૧૦)
ભણાવી ગણાવીને પોપટ કરીયો પોપટ ઉડી જાય જો,
પર ઘેર પોપટને કેમ ગમશે ને એનો આવે વિચાર જો.......(૧૧)
સંત પ્રભાસી શિરોમણી ને દ્રોપદીજી નાર જો,
પુત્રી શોભે છે સાસરે ને લક્ષ્મી અવિચળ થાય જો........(૧૨)
માતાજી મુખે શું કહું હું ત્યાં તો દુઃખનો નવલેશ જો,
કષ્ટ પડતા ચૂકીશ નહીં ને પતિવ્રતા ની ટેક જો....(૧૩)
માતાજી મુજ દુઃખ એટલુ ને આવી રૂદિયામાં જાણ જો,
માતા પિતા ના વિયોગથીને આવે આસુંડાની ધાર જો....(૧૪)
માતા જેવા તારા સાસુજીને બેની જેવા નણંદ જો,
ભાભી જેવા તારા જેઠાણી બેની છોડી દો સૈયરુનો સાથ જો.....(૧૫)
માતાજી સુખ દુઃખ શું કહું ને દુઃખ ના વિસરાય જો,
કષ્ટ પડતા ચુકીશ નહીં ને પતિવ્રતા ની ટેક જો....(૧૬)
જળ વિના તલખે માછલી ને ચંદ્ર વિના સુની રાત જો,
માતા પિતા હું એકલી ને કેમ જાય દિન રાત જો.........(૧૭)
જયદીપભાઇ વીરા સાંભળો ને રાખો બેની પર હેત જો,
આણે ને ટાણે તેડાવજોને જેથી બેની સુખી થાય જો......(૧૮)
પાયલબેન કહું સાંભળો ને આજથી છેલ્લા પ્રણામ જો,
જયવીરભાઈ નાના બાંધવા ને લેજો બેની ની સંભાળજો......(૧૯)
સરખી સૈયરોમાં બેસતીને કરતી હૈયા ની વાત જો,
એ દિન જ્યારે સાંભરે ત્યારે બળતા બપોર થાય જો.....(૨૦)
વચને બંધાયા તુજ પિતાજીને પુત્રી દેવાને કાજ જો,
સસરાજી આવ્યા સાજન લઈને કન્યા લેવાને કાજ જો......(૨૧)
તુલસી વડીલ માતા પિતાજીને જવા દો મોરી માત જો,
રુદન કરો તમે કોઈ નહીં ને એ તો દુનિયાનો રિવાજ જો.....(૨૨)
વાલા દાદાજી કહું સાંભળો ને જાવું સાસરીયે આજ જો,
અંતરમાં ઓછું ન લાવજો ને હેત કેમ ભુલાય જો........(૨૩)
ગાય વળાવી ગરીબડીને પૂજાય સાસરિયા માય જો,
એ ગુણ કદી ભૂલીશ નહીં ને પતિ વ્રતાની ટેક જો........(૨૪)
ધમ ધમ ધ્રુજતી ધરતી ને તેમ ધ્રુજતી હું આજ જો,
દડ દડ આંસુડા પાડતી ને ચાલી સાસરિયે આજ જો.......(૨૫)
અંબા માતાના આશિષથી ને શંકર ભોળા ની મહેર જો,
રણછોડરાયને વિનવું ને કરજો મુજને સહાય જો........(૨૬)
મંડપ મારો સુનો સુનો ને સુનું આંગણિયું આજ જો,
સુના સાહેલીના મનડા ને સુની બની હું આજ જો........(૨૭)
પુત્રી વળાવી પાછા વળિયાને આવે આંસુડા ની ધાર જો,
પુત્રી ની વિદાયથી ને સુના લાગે ઘરબાર જો.....(૨૮)
બોલ્યું ચાલ્યું માફ કરજો હૈયામાં રાખજો હેત જો,
મારુ ઘર હું સંભાળી લઈશ ને તેની ચિંતા ન કરશો......(૨૯)
સદા ભવાની સાથે રહો ને સન્મુખ રહો ગુરુદેવ જો,
પંચદેવ મારી રક્ષા કરજો બ્રહ્મા વિષ્ણુ મહેશ જો........ (૩૦)
ચાંદો ચડ્યો આકાશ
માંડવે આવી છે જાન
મેં તો નાખ્યા છે ફુલ
મારી થઈ ગઈ છે ભૂલ
મને માફ કરો.
અમે છીએ નાના ને તમે છો મોટા
ભૂલચૂક કરજો માફ કરી સભાને ફુલડે વધાવીએ.
મારી રાજ સરીખી બેની રાજ મંડપ રોપ્યો મેદાનમાં મારીને બેની ને વધાવવા આવી રાજ મંડપ રોપ્યો મેદાનમાં.
ડુંગર ઉપર દેરડી બેની બેનપણી દર્શન કરવા જાય રૂપિયો મૂકીને પાવલી લે એના દર્શન સફળ થાય
હોજી રે એના દર્શન સફળ થાય...
ડુંગર માથે દેરડી ને જમાઈના દોસ્તાર દર્શન કરવા જાય પાવલી મૂકીને રૂપિયો લે એના દર્શન અફળ થાય હોજી રે એના દર્શના અફળ થાય......
No comments:
Post a Comment